LogoLogo
Logo
સૂર્યોદય:  ૦૬:૧૬ AM
સૂર્યાસ્ત:  ૦૮:૫૭ PM

આષાઢ સુદ બારસ - વિક્રમ સંવત ૨૦૮૧

Moonજુલાઈ , ૨૦૨૫
સોમવાર

લાભ (ગેઇન):  ૧૨:૨૭ AM - ૦૧:૩૭ AM

ઉદ્વેગ (ખરાબ):  ૦૧:૩૭ AM - ૦૨:૪૭ AM

ToranToran

આમલકી એકાદશી

આમલકી એકાદશી

વશિષ્ઠ મુનિ માંધાતા નામના રાજાને આમલકી (આમળા) એકાદશીનો મહિમા અને માહાત્મ્ય કહી સંભળાવે છે. પારધી મૃત્યુ પામ્યા પછી એકાદશીના વ્રતના અને જાગરણના પ્રભાવને લીધે વિદુરથ રાજાને ત્યાં જન્મ્યો હતો, એનું નામ હતું વસુરથ, તે અતિ પરાક્રમી, ધર્મિષ્ઠ અને પ્રજાવત્સલ રાજા થયો. ‘હે રાજન, આમળા એકાદશી વ્રત કરવાનું વિધાન ફાગણ સુદ અગિયારશના રોજ હોય છે. આ એકાદશી સર્વ પાપ હરનારી અને હજાર ગાયોના દાનનું પુણ્ય આપનારી કહેવાય છે, માટે આ એકાદશીના વ્રતનો મહિમા વિશેષ છે. પ્રાચીન કાળમાં‘વૈદિશ’ નામે એક સુંદર નગર હતું. આ નગરીમાં ચારેય વર્ણના લોકો આનંદપૂર્વક નિવાસ કરતાં હતાં. આ નગરમાં કોઈ નાસ્તિક નહોતું, સમગ્ર પ્રજા પ્રભુપરાયણ હતી. કોઈ પાપી તો હતું જ નહીં, નિર્ધન કોઈ હતું નહીં. દારૂણ દુષ્કાળ એટલે શું? તેની આમજનતાને જાણ પણ ન હતી. કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ પણ નહોતો. સોમ વંશમાં જન્મેલો‘ધર્માત્મા’ નામનો રાજા પરમ વિષ્ણુભક્ત હતો. સુદ કે વદ પક્ષની એકાદશીના રોજ કોઈ અન્નનો આહાર કરતું નહીં. રાજાને‘ચિત્રરથ’ નામે પુત્ર હતો તે પણ ધર્મપરાયણ હતો, શાસ્ત્રનો જ્ઞાતા હતો. રાજ્યમાં સૌ કોઈ એકાદશીના દિવસે ઉપવાસ કરતા. ફાગણ સુદ અગિયારશના દિવસે નાના મોટા સૌએ ઉપવાસ કર્યો, કારણ કે‘આમળા એકાદશીનું વ્રત’ આબાલ-વૃદ્ધ એમ સૌ કોઈ કરતાં. આ વ્રત મહાફળ આપનારું હોવાથી રાજા તથા પ્રજાએ નદીમાં સ્નાન કર્યું. ચિત્રરથે મંદિરમાં જઈને ભગવાન વિષ્ણુની પૂજા કરી. તેણે આ દિવસે‘આમળા’ના વૃક્ષની પણ પૂજા કરી. કુંભમાં પંચરત્ન, સુગંધિત દ્રવ્યો, ચંદન વગેરે પધરાવી કુંભનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સ્થાપન કરાવ્યું. કુંભ પર છત્ર ધરાવ્યું, પછી ભગવાન પરશુરામની સ્થાપના કરી અર્ચન-પૂજન કરી પ્રાર્થના કરી કે, ‘હે જામદગ્ન્ય, હે જમદગ્નિ મુનિના પુત્ર, હે રેણુકા માતાના આનંદની અભિવૃદ્ધિ કરનારા આપ તો આમળાના વૃક્ષની છાયામાં વિરાજી ભક્તિ અને મુક્તિનું વરદાન આપનારા છો. હું આપને પ્રેમપૂર્વક નમસ્કાર કરું છું.‘ ત્યાર પછી સ્વચ્છ પાણીની અંજલિથી આમળાના વૃક્ષને અર્ધ્ય આપે છે, વૃક્ષની પ્રદક્ષિણા કરે છે. સમગ્ર પ્રજાએ પણ ચિત્રરથનું અનુસરણ કર્યું, પ્રજાએ પણ પ્રદક્ષિણા કરી અને રાત્રે જાગરણ કર્યું. તે વખતે એક હિંસક પારધી ત્યાં આવી ચડયો. તેણે પોતાના પરિવારના પોષણ માટે અનેક પાપો કર્યાં હતાં, અનેક પશુ-પક્ષીઓની હિંસા કરી હતી. ધર્મવિમુખ પારધીએ અહીં ઉત્સવ અને દીપમાલા નિહાળી. અહીં તેણે કુંભનું સ્થાપન જોયું. કુતૂહલવશ તેણે ભગવાન પરશુરામનાં દર્શન કર્યાં. એકાદશી વ્રતની કથા તથા વિષ્ણુભક્તોની કથા પણ સાંભળી. આ પારધીએ જિજ્ઞાસાવૃત્તિથી જાણે-અજાણે એકાદશીનું જાગરણ કર્યું હતું અને કથા-કીર્તનમાં સહભાગી થયો હતો અને આ પ્રકારે તેણે રાત્રિ વ્યતીત કરી હતી. વશિષ્ઠ મુનિ માંધાતા રાજાને કહે છે કે, આ પારધી મૃત્યુ પામ્યા પછી એકાદશીના વ્રતના અને જાગરણના પ્રભાવને લીધે વિદુરથ રાજાને ત્યાં જન્મ્યો હતો, એનું નામ હતું વસુરથ, તે અતિ પરાક્રમી, ધર્મિષ્ઠ અને પ્રજાવત્સલ રાજા થયો. તેણે અનેક યજ્ઞો કર્યા હતા અને દાનેશ્વરી રાજા તરીકે નામના મેળવી હતી. આમળા એકાદશીનું વ્રત કરનાર નિઃસંદેહ વિષ્ણુલોકને પામે છે અને તેનો મહિમા અપરંપાર છે.‘